સંતપ્ત આ સંસારમાં કરુણાની જલધારા તમે,
ચદાં તમે સૂરજ તમે ત૫તેજધર તારા તમે,
સહુ જીવથી ન્યારા તમે સહુ જીવના પ્યારા તમે,
હે નાથ ! હૈયુ દઈ દીધુ હવે આજથી મારા તમે.....
મુજ પુણ્યની પુષ્ટિ તમે સંકલ્પની મુષ્ટિ તમે,
ભવ ગ્રીમ તાપે તપ્ત જીવો પર અમીવૃષ્ટિ તમે,
આ વિશ્વની હસ્તી તમે મુજ મન તણી મસ્તી તમે,
મુજ નેત્રની દૃષ્ટિ તમે મુજ સ્વપ્નની સૃષ્ટિ તમે.....
હર્ષે ભર્યા હૈયા તમે ગુણાપ્રીતના સૈયા તમે,
શુભ જીવનકેરી સાધનાના રથતણા પૈયા તમે,
દોષીતણા વનમાં ભમતાના છો રખવૈયા તમે,
ભવસાગરે નૈયા તમે, અમ બાળની મૈયા તમે
નિષ્કારણે ભ્રાતા તમે સંકટ થકી માતા તમે,
મહા પંથના દાતા તમે, મહારોગમાં સાતા તમે,
જેનું ન થાતુ કોઈ જગમાં તેહના થાતા તમે,
શું કહું સંપૂર્ણ પટકાયો તણી માતા તમે...
ઔચિત્ય કેરું કદ તમે જીવો પ્રતિ ગગદ તમે,
સર્વોચ્ચ ધરિયું પદ તમે વળી તેહમાં નિર્મદ તમે,
કરુણામહીં બેહદ તમે શુભતા તણી સરહદ તમે,
આતમતણા દુઃસાધ્ય આ ભવ રોગનું ઔષધ તમે...
જયાં કાર્ય કોઈ અટકી પડે ત્યાં કાર્યસાધક પળ તમે,
છો નિર્બળોનું બળ તમે સંકટ સમય સાંકળ તમે,
બની વૃક્ષ લીલાછમ તમારા આંગણે ઊભા અમે,
બસ દર્શને ભીનું બને મન એહવું ઝાકળ તમે....
કરુણા મહાદેવી તણા સોહામણા નંદન તમે,
સંસાર કેરા રણ મહી આનંદની છો ક્ષણ તમે,
કષાય કેરી ઉગ્રતાએ પ્રજવળતા ચૈતન્યને,
બસ નામ લેતાં ઠારતું પ્રભુ એહવું ચંદન તમે...
માર્ગસ્થ જીવો કાજ ભવનિસ્તારણુ તરણું તમે,
અધ્યાત્મના ગુણ બાગમાં મન મોહતું હરણું તમે,
મુજ પુણ્યનું ભરણું તમે મુજ પ્રેમનું ઝરણું નમે,
આ વિશ્વના ચોગાનમાં છો શાશ્વત શરણું તમે.....
Comments
Post a Comment